Placeholder canvas

વિધાનસભામાં 5 મિનિટ આપો, ક્યાંથી દારૂ આવે છે તેનું લિસ્ટ આપવા તૈયાર છું: મેવાણી

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગુજરાતમાં ઘરે ઘરે દારૂ પીવાય છે, તેવું નિવેદન આપતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. એક પછી એક રાજકીય નેતાઓના નિવેદનો સામે આવી રહ્યા છે, ત્યારે હવે વિપક્ષના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ સરકારને કહ્યું છે કે, મને પાંચ મિનિટ વિધાનસભાના સત્રમાં આપો હું ક્યાંથી દારૂ આવે છે તેનું લિસ્ટ આપવા માટે તૈયાર છું.

ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતનું તાજેતરમાં એક સ્ટેટમેન્ટ આવ્યું કે, દારૂબંધીનો કાયદો હોવા છતાં પણ ઘરે-ઘરે દારૂ પીવાય છે. આ વાત સાચી નથી, આમા ખૂબ અતિશયોક્તિ છે. આ અતિશયોક્તિનો લાભ ઉઠાવીને મુખ્યમંત્રી વિજય રૂપાણએ નિવેદન કર્યું કે, ગુજરાતનું અપમાન થયું છે, ગુજરાતને બદનામ કર્યું છે.

ગુજરાતને બદનામ, લજ્જિત અને કલંકિત તો ત્યારે કરવામાં આવે છે કે, ગુજરાતના દરેક જિલ્લામાં રાજ્યની પોલીસ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી સાહેબ તમારી રહેમ નજર હેઠળ દારૂ ખુલ્લેઆમ વેચાય છે. જી તમારી તૈયારી હોય તો તમે દારૂબંધીના મુદ્દે આવતી વિધાનસભામાં પાંચ મિનિટ મને બોલવા આપો તો હું ગુજરાતના કયા જિલ્લાના કયા તાલુકામાં કયા રૂટ પરથી દારૂ આવે છે, તેનું લિસ્ટ તમને આપવા માટે તૈયાર છું.

તમે ખરેખર ગુજરાતને સરદાર પટેલ સાહેબનું ગુજરાત માનતા હોવ તો આ કાયદાનો ચુસ્ત મજબુત અમલ કરીને બતાવો અને જો ન થતું હોય તો ગેરકાયદેસર કરોડોની રકમ છે, તે રકમને ગુજરાતના શિક્ષણ અને આરોગ્યની પાછળ ખર્ચો. હું જીગ્નેશ મેવાણી દાવો કરું છું કે, મને વિધાનસભામાં પાંચ મિનિટ આપશો, તો 33 જિલ્લામાં કઈ જગ્યા પર દારૂ વેચાય છે. તેનું લિસ્ટ હું તમને આપવા માટે તૈયાર છું. આ બોલવા બદલ મારા ઘરે CBI અને EDને મોકલવાની છૂટ છે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/HXxRwRhpPxVK3z7VKGWTpv

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો