Placeholder canvas

રાજકોટમાં પ્રેમ લગ્ન બાબતે યુવકનું અપહરણ બાદ મુક્તિ

ઉમિયા ચોક પાછળ વૈકુંઠધામ સોસાયટીમાં બનેલો બનાવ: પુત્રી સાથે લગ્ન કરનાર યુવાનના બનેવીના ભાઇનું અપહરણ અંગે માલવિયાનગર પોલીસમાં ગુનો નોંધાયો, યુવતીના માતા-પિતા સહિત ચારની ધરપકડ

રાજકોટના 150 ફૂટ રિંગરોડ ઉમિયા ચોક જલજીત સોસાયટી પાછળ વૈકુંઠધામ સોસાયટી-3માં રહેતા ગુર્જર સુથાર યુવાનનું પ્રેમલગ્નના મુદ્દે યુવતીના માતા-પિતા સહિતના પરિવારજનોએ અપહરણ કર્યા બાદ માલવિયાનગર પોલીસે ત્વરિત કાર્યવાહી કરી અપહૃત યુવાનને મુક્ત કરાવી અપહરણકર્તા ચારેયની ધરપકડ કરી છે.

પ્રેમલગ્નના મુદ્દે યુવતીના માતા-પિતા સહિત ચારે પરીવારજનોએ પુત્રી સાથે લગ્ન કરનાર યુવાનના બનેવીના ભાઇનું અપહરણ કર્યાનું પુછપરછ દરમિયાન જાણવા મળ્યું છે. મળતી વિગતો મુજબ રાજકોટના 150 ફૂટ રિંગરોડ ઉમિયા ચોક જલજીત સોસાયટી પાછળ વૈકુંઠધામ સોસાયટી-3માં રહેતા અને મેટોડા ફેકટરીમાં નોકરી કરતાં દિપક કિશોરભાઇ વડગામા (ઉ.વ. 31)નામના યુવાને નોંધાવેલી ફરિયાદ મુજબ, રવિવારે બપોરે તે નોકરી પર હતો. ત્યારે નાના ભાઇ વિરલનો ફોન આવ્યો હતો. અને તેને ફોનમાં જણાવ્યું કે તે બપોરે જમતો હતો. ત્યારે બે બાઇક પર શૈલેષ રામજી વાઘસણા, તેની પત્ની કાશ્મીરા, નિલેશ મનુ પાટડિયા અને સલીમ કાતર નામના શખ્સો ઘરમાં ઘૂસી આવ્યા હતા. અને કહ્યું કે, તારા ભાઇના સાળા બાબતે તારી સાથે વાતચીત કરવી છે તું ચાલ અમારી સાથે. જેથી સાથે આવવાની ના પાડતા તેઓ મને બળજબરીથી બાઇકમાં બેસાડી ક્યાંક લઇ જતા હોવાની વાત કરી હતી.દીપકે તુરંત પોલીસ કંટ્રોલરૂમને ફોન કર્યો હતો.

જેથી કંટ્રોલરૂમે માલવિયાનગર પોલીસને જાણ કરતા પીઆઇ કે.એન.ભૂકણ, પીએસઆઇ એમ.એસ.મહેશ્વરી સહિતના સ્ટાફે મોબાઇલ ટ્રેસ કરી અપહરણકર્તાઓની પાછળ દોડધામ શરૂ કરી હતી અને ગણતરીના કલાકમાં આરોપીઓના ઘર પાસેથી જ અપહૃત વિરલને મુક્ત કરાવી લીધો હતો. પકડાયેલા દંપતી સહિત ચારેયને પોલીસમથક લઇ જવાયા હતા.

દિપકે પોલીસને જણાવ્યું હતું કે શૈલેષભાઇ રામજીભાઇ તથા કાશ્મીરાબેન વાઘસણાની દિકરી જાનવી સાથે મારા કાકાજી સસરાના દિકરા હિરેન રમેશભાઇ સીનરોજાને પ્રેમ સબંધ હોય કાકાજી સસરાના દીકરા હિરેન રમેશભાઇ સીનરોજાએ થોડા દિવસ પહેલા આરોપી શૈલેષ વાઘસણાની પુત્રી જાન્વીને ભગાડી જઇ પ્રેમલગ્ન કર્યા હોય તેનો ખાર રાખી પોતાના નાના ભાઇનું અપહરણ કર્યું હોવાનું મુક્ત થયેલા વિરલના ભાઇ દીપકે પોલીસને જણાવ્યું છે. માલવિયાનગર પોલીસે દીપક વડગામાની ફરિયાદ પરથી ગુનો નોંધી દંપતી સહિત ચારની ધરપકડ કરી રિમાન્ડ મેળવવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો