Placeholder canvas

ટંકારા પંથકના ગામડાઓમાં પાક નિષ્ફળ જવાની ભીતિ, ખેડૂતોની દયનીય સ્થિતિ

શાસકપક્ષ ખેડુતોના પાકની ચિંતા કરવાના બદલે કાર્યક્રમોમાં વ્યસ્ત, સરકાર સમક્ષ સિંચાઈના પાણી છોડવાની ખેડૂતોની આજીજી

By રમેશ ઠાકોર – હડમતીયા
મોરબી જિલ્લામાં વરસાદ ખેંચાતા વાવેતર કરનાર ખેડૂતોની ફફોડી હાલત થઈ ગઈ છે. એમાંય આવા સંજોગો રાજ્ય સરકારે ખેડૂતોને સિંચાઇ માટે કેનાલમાંથી પાણી છોડવાનો આદેશ આપ્યો હતો. પણ આ આદેશનો જરાય અમલ ન થતા ખેડૂતો સિંચાઇ વિના ટળવળી રહ્યા છે. અને ઉભો પાક નજર સામે સુકાતો હોવાથી ખેડૂતોના હૈયા દાઝી રહ્યા છે. પાક નિષફળ જવાની અણી ઉપર હોવા છતાં સરકાર પાણી છોડવાને બદલે નિતનવા તમાશા કરી રહી છે. આથી ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને સરકાર સમક્ષ કેનાલમાંથી પાણી છોડવાની ઉગ્ર માંગ કરી છે.

મોરબી જીલ્લાના અનેક ગામ તેમજ ટંકારા પંથકના લજાઈ, હડમતિયા, સજનપર, વિરપર ધ્રુવનગર,નશીતપર, ઘુનડા (સ.) જેવા અનેક ગામના ખેડુતોનો પાક વરસાદ ખેંચાતા ભસ્મીભૂત થવાની અણી ઉપર છે. ત્યારે જો સરકાર તાત્કાલિક ધોરણે કેનાલ કે નર્મદા લીંકના પાણી છોડી હોંકારા, તળાવો, નદી-નાળામા છોડવામાં આવે તો ખેડુતોના કુવામાં સુકાયેલ જળ ફરીથી સજીવન થાય તેમ છે. હાલ ગામડાઓની પરિસ્થિતિ સિંચાઈના અભાવે સીમ-ખેતરમા મોલ સુકાઈ રહ્યા છે. આથી જગતનો તાત લમણે હાથ દઈને આકાશ તરફ મીટ માંડીને બેઠો છે. સરકારને સિંચાઈના પાણી છોડવાની આજીજી કરી રહ્યો છે જેથી કરીને મોંધા ભાવના વાવેલ બિયારણ અને ખાતરનો ખર્ચ નીકળે તેવું ટંકારા પંથકના અને મોરબી પંથકના ખેડુતો જણાવી રહ્યા છે.

આ સમાચારને શેર કરો