Placeholder canvas

કોલેજોમાં પરીક્ષા કે માસ પ્રમોશન ? : લાખો વિદ્યાર્થીઓનું શૈક્ષણિક ભાવી અધ્ધરતાલ

રાજકોટ: કોરોના વાઈરસે મારેલા ફૂંફાડાના પગલે છેલ્લા 1 માસથી રાજકોટ સહિત દેશભરમાં ધંધા-રોજગાર ઠપ્પ થવાની સાથે નાગરિકોમાં ભયનું લખલખુ પ્રસરી ગયું છે. આ સંજોગોમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ તેમજ કેન્દ્રીય શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 1 થી 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય લેવાયેલ છે.

પરંતુ સૌરાષ્ટ્ર યુનિ. સહિત રાજ્યના વિશ્ર્વ વિદ્યાલયો તેમજ ગુજરાત ટેકનોલોજીકલ યુનિ. (જીટીયુ) દ્વારા કોલેજોના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન કે પ્રોરેટા મુજબ આગલા સેમેસ્ટરમાં બઢતી આપવાનો નિર્ણય હજુ સુધી નહીં લેવાતા લાખો વિદ્યાર્થીઓનું શૈક્ષણિક ભાવિ હાલ અધ્ધરતાલ બની જવા પામેલ છે. જેના પગલે વિદ્યાર્થીઓ અવઢવની સ્થિતિમાં મૂકાઈ જવા પામેલ છે.

કોરોનાના કહેરના પગલે હાલ લોકડાઉન ચાલી રહ્યું છે. શાળા-કોલેજો સંપૂર્ણપણે બંધ છે. આ સંજોગોમાં શિક્ષણ વિભાગ દ્વારા કોઇપણ સ્પષ્ટ નીતિ જાહેર કરવામાં આવી નથી. જેના પગલે વિદ્યાર્થીઓમાં અસંમજસની સ્થિતિ ઉભી થવા પામી છે. અગાઉ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તા. 20 એપ્રિલથી નવું શૈક્ષણિક સત્ર કેન્દ્રીય બોર્ડની પેટર્ન મુજબ શરુ કરવાનું જાહેર કરાયેલ હતું પરંતુ ત્યારબાદ કોરોનાના વાઈરસના ફૂંફાડાના પગલે ધો. 1 થી 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી જૂનથી નવું સત્ર શરુ કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે.

શિક્ષણ બોર્ડ દ્વારા માસ પ્રમોશન અપાયેલા વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન શિક્ષણ આપવાનું શરુ કરાયેલ છે. પરંતુ કોલેજોના વિદ્યાર્થીઓને હવે માસ પ્રમોશન અપાશે કે પ્રોરેટા મુજબ આગળના સેમેસ્ટરમાં બઢતી અપાશે ? તેનો નિર્ણય હજુ સુધી લેવામાં આવેલ ન હોય વિદ્યાર્થીઓની હાલત કફોડી બની જવા પામી છે. જેમાં ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા તો હજુ વિદ્યાર્થીઓના ઓનલાઈન ફોર્મ પણ સ્વીકારવાનું શરુ કરાયું નથી. ત્યારે ગુજરાત ટેકનોલોજીકલ યુનિ. હવે સાડા ચાર લાખ વિદ્યાર્થીઓની પરીક્ષા કઇ રીતે ચોક્સાઈપૂર્વક લેશે ? તે એક પ્રશ્ન છે.

આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નિતીનભાઈ પેથાણીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સેમેસ્ટર 6ની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે લઇ લેવામાં આવી છે. હવે પ્રથમ અને દ્વિતીય વર્ષની પરીક્ષાનો પ્રશ્ન છે. પરંતુ આ વિદ્યાર્થીઓને હવે પ્રોરેટા મુજબ આગળના સેમેસ્ટરમાં બઢતી આપવાની બાબત વિચારાધીન છે. આ અંગે તેઓએ અગાઉ રાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાગનાં સચિવને પણ પત્ર પાઠવીને પોતાનું મંતવ્ય જણાવેલ હતું. તેવોએ વધુમાં એવું પણ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 2.50 લાખની છે. જેમાંથી યુનિ.ના અનુસ્નાતક કક્ષાના 20,000 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે જ. તેની સાથોસાથ તેઓએ એમ પણ જણાવ્યું હતું કે સુપ્રિમ કોર્ટનાં જજમેન્ટ મુજબ કોલેજોના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવું શક્ય નથી. તેમ છતાં રાજ્ય સરકાર અને ઉચ્ચ શિક્ષણ વિભાગની ગાઈડલાઇન મુજબ સૌરાષ્ટ્ર યુનિ. પરીક્ષા સંદર્ભે નિર્ણય લેશે.

જ્યારે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કુલપતિ ડો. નવીન શેઠે જણાવ્યું હતું કે, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા સાડા ચાર લાખ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની થાય છે. એઆઈસીટીઈના નિર્ણયને ગુજરાત ટેકનોલોજીકલ યુનિ. અનુસરશે. ડો. નવીન શેઠે એમ પણ જણાવ્યું હતું કે, આ યુનિ.ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવું શક્ય નથી.પરંતુ ઓબ્જેક્ટીવ પેપરથી યુનિવર્સિટીની તમામ ફેકલ્ટીની પરીક્ષા લેવાનો વિકલ્પ ખુલ્લો છે. એઆઈસીટીઈ અને સરકારના નિર્ણય મુજબ ગુજરાત ટેકનોલોજીકલ યુનિ. દ્વારા પરીક્ષાનો નિર્ણય લેવાશે.

અહીં એ ઉલ્લેખનીય છે કે, શિક્ષણ વિભાગની અસ્પષ્ટ નીતિના કારણે રાજ્યભરની યુનિવર્સિર્ટીઓ દ્વારા વિદ્યાર્થીઓ માટે પરીક્ષા લેવી કે માસ પ્રમોશન આપવું કે પછી પ્રોરેટા મુજબ ઉપલા સેમેસ્ટરમાં બઢતી આપવી ? તે અંગેની કોઇપણ જાતની સ્પષ્ટતા કે નિર્ણય નહીં લેવાતા વિશ્વ વિદ્યાલયોના લાખો વિદ્યાર્થીઓની સ્થિતિ કફોડી બની જવા પામેલ છે.

જેમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોનાં વિદ્યાર્થીઓના એસાઈટમેન્ટ સબમિટ કરવાનો પ્રશ્ર્ન પણ હાલની લોકડાઉનની સ્થિતિમાં જેમનો તેમ લટકી રહ્યો છે. જેના પગલે વિદ્યાર્થીઓની માનસિક હાલત ખરાબ બની રહી છે. ત્યારે હવે આ પરીક્ષાના પ્રશ્ર્ને શું નિર્ણય લેવાય છે ? તેનાં પર વિદ્યાર્થીઓની મીટ મંડાઈ રહી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/H1qbExReKZ94dUC0AhI65L

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો