Placeholder canvas

સરકારની કબુલાત: ગુજરાતમાં દર સાત કલાકે દુષ્કર્મની એક ફરિયાદ નોંધાય છે.

કૉંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનાં ‘Rape in India’નાં નિવેદન બાદ ગઇકાલે સમૃતિ ઇરાનીએ લાજવાબ ઍક્ટિંગ સાથે લોકસભામાં જોરદાર હોબાળો મચાવ્યો હતો. જ્યારે બીજી બાજુ ગુજરાત સરકારે કબૂલ્યું છે કે, રાજ્યમાં દર સાત કલાકે એક બળાત્કાર થાય છે.

ગુજરાતમાં 1 જુલાઇ 2014થી 30 જૂન 2019 દરમિયાન કુલ 6,116 બળાત્કારની ફરિયાદો નોંધાઇ છે. આ સંપૂર્ણ માહિતી રાજ્ય સરકારનાં ગૃહવિભાગે ગુજરાત વિધાનસભાનાં રેકોર્ડ પર મૂકી છે. વિધાનસભાના હમણાં જ પૂર્ણ થયેલાં શિયાળુ સત્રમાં બેચરાજીના કોંગ્રેસી ધારાસભ્ય ભરતજી ઠાકોરે ગૃહ વિભાગનો હવાલો સંભાળતાં મુખ્યમંત્રી પાસેથી માંગેલી વિગતોના પ્રત્યુત્તરમાંથી આ આંકડા જાહેર થયાં છે. આ આંકડામાં એવી પણ માહિતી સામે આવી છે કે, અમદાવાદ શહેરમાં સૌથી વધુ દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ છે. ત્યાર બાદ સુરતમાં 759 ફરિયાદ નોંધાઇ છે, જ્યારે ત્રીજા નંબર પર બનાસકાંઠામાં 420 ફરિયાદ નોંધાઇ છે.

આ સામે વિધાનસભામાં ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યુ હતું કે, યુવાન છોકરા-છોકરીઓ પ્રેમલગ્ન માટે ઘરેથી નીકળી જાય ત્યારે બળાત્કારની કલમ નોંધાતી હોવાથી આ આંકડો વધારે આવે છે, પણ રાજ્ય સરકાર બળાત્કારનાં કિસ્સામાં ગુનેગારોને કડકમાં કડક સજા થાય તે માટે પ્રતિબદ્ધ છે.

મહત્વનું છે કે, વર્ષ 2014-15માં બળાત્કારની 1097 ફરિયાદ નોંધાઇ હતી જ્યારે વર્ષ 2015-16માં 1103 ફરિયાદ નોંધાઇ હતી. આ આંકડાઓ દર વર્ષે વધતા જ રહ્યાં અને વર્ષ 2018-19માં 1477 ફરિયાદ નોંધાઇ છે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/FhWQhEgwM79JCLkxAayZB3

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો