Placeholder canvas

વાહરે ભાઈ વાહ, કોરોના મહામારીના કારણે, નવરાત્રી નહીં થાય પણ ચૂંટણી પ્રચાર થશે…!

ગુજરાતમાં વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી સમયે કોરોના બેકાબૂ છે, સરકારે વિવિધ તહેવારો કેન્સલ કર્યા છે,પરંતુ ચૂંટણી યથાવત રાખી

સામાન્ય લોકો તહેવારોની ઉજવણી કરી શકતા નથી. કાયદા પ્રમાણે સોશ્યલ ડિસ્ટન્સીંગ માત્ર સામાન્ય જનતાને લાગુ પડે છે પરંતુ ભાજપ અને તેના નેતાઓ કાયદાથી પર હોય તેમ લાગી રહ્યું છે. ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે રેલી અને સ્વાગતના કાર્યક્રમો કર્યા હતા પરંતુ તેમની અને પાર્ટીના કાર્યકરો સામે સોશ્યલ ડિસ્ટન્સીંગના કોઇ પગલાં આજદિન સુધી લેવામાં આવ્યા નથી.

બીજી તરફ માસ્ક પહેર્યા વિના બહાર નીકળતા લોકોને પોલીસે પકડીને દંડ વસૂલે છે. દુકાન કે મોસમાં સોશ્યલ ડિસ્ટન્સીંગનું પાલન નહીં થતાં તે દુકાન અને મોલના સંચાલકને દંડ કરે છે. તેમના ઉદ્યોગ-ધંધા બંધ કરાવે છે. સરકારની આવી બેધારી નીતિનો સોશ્યલ મિડીયામાં ચોમેરથી વિરોધ થઇ રહ્યો છે.

કોરોના સંક્રમણના કારણે સરકારે પહેલાં રથયાત્રા બંધ કરાવી હતી. હિન્દુ અને મુસ્લિમોના તહેવારોની ઉજવણી કરવા દીધી નથી. કોરોના સંક્રમણના કારણે રાજ્ય સરકારે જન્માષ્ટમીનો મેળો, ગણેશ મહોત્સવ અને અંબાજીનો ભાદરવી પૂનમનો મેળો રદ્દ કરાવ્યો છે પરંતુ પાર્ટી પ્રેસિડેન્ટની રેલીઓ અને સ્વાગત સભાઓ સરકાર રોકી શકી નથી. હવે નવરાત્રી પર સરકારે નજર બગાડી છે.

લોકોને ગરબા ગાવાનો પણ અધિકાર છિનવી લેવામાં આવ્યો છે પરંતુ ભાજપના કોઇ કાર્યક્રમમાં અચૂક ગરબા મહોત્સવ થાય છે. ગુજરાત સરકારે સરકારી નવરાત્રી મહોત્સવ તો કેન્સલ કર્યો છે અને હવે લોકો માટેની નવરાત્રી મહોત્સવ પણ કેન્સલ કરાવી રહી છે. ત્યારે નવરાત્રીના સમયમાં વિધાનસભાની આઠ બેઠકોની ચૂંટણીમાં ભાજપના નેતાઓ ચૂંટણી પ્રચાર માટે લોકોના દરવાજે નિકળી પડશે.

ગુજરાતમાં પેટાચૂંટણી 3જી નવેમ્બરે યોજાવાની છે અને તેનું પરિણામ 10મી નવેમ્બરે આવવાનું છે. આ ચૂંટણી માટે ઉમેદવારી કરવાનો સમય 9 થી 16 ઓક્ટોબર રાખવામાં આવ્યો છે. 17મી ઓક્ટોબરથી નવરાત્રી શરૂ થઇ રહી છે ત્યારે આ ગરબા અને મહોત્સવ બંધ રાખવાના આદેશ કરવામાં આવી રહ્યાં છે પરંતુ નવરાત્રીના સમયમાં ચૂંટણી પ્રચાર પર કોઇ પ્રતિબંધ નથી. રાજ્યમાં અબડાસા, ધારી, ગઢડા, ડાંગ, લીમડી, કરજણ, કપરાડા અને મોરબી બેઠકો ખાલી પડી છે. આ બેઠકોના કોંગ્રેસના ધારાસભ્યોએ બે તબક્કે રાજીનામાં આપેલા છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/IEuz1mb5RgG8uPqLzlZ9Bo

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો