Placeholder canvas

ખેડૂત પાસેથી કપાસ વેચાય ગયા બાદ, કપાસનો ભાવ રૂ.1605ની રેકોર્ડ સપાટીએ

આ રૂ.1605નો રેકોર્ડ ભાવ ખેડૂત કરતા વેપારીઓને વધારે લાભ કરાવશે…

ચાલુ વર્ષે પંદરેક દિવસ પહેલા રાજયભરમાં થયેલી વાવણી બાદ વરસાદ ખેંચાતા જગતાત મુશ્કેલીમાં મુકાયો છે. ખેડુતો વરસાદની રાહમાં બેબાકળા બન્યા છે. તે વચ્ચે પણ રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં ખેડુતોને કપાસના સારામાં સારા ભાવો મળતા આ ખેડુતો ખુશખુશાલ છે. ચાલુ વર્ષે કપાસની સીઝનથી જ કપાસના ભાવો ઉંચકાયેલા હતા પરંતુ ત્યારબાદ કપાસના ભાવમાં સતત વધારો થતા ખેડુતોને આટલા વર્ષોમાં પ્રથમ વખત હાલ પ્રતિમણના રૂ.1500થી 1600થી વધુ મળી રહ્યા છે.

રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં હાલ કપાસના સૌથી ઉંચામાં રૂ.1600 જેવા ભાવ બોલાઈ રહ્યા છે. ગઈકાલે અને આજે એમ સતત બે દિવસથી કપાસનો રેકોર્ડબ્રેક ભાવ રૂ.1605 ખેડૂતોને મળી રહ્યો છે. સૌથી ઉંચામાં ભાવમાં એટલે કે પ્રતિમણ રૂ.1605માં ગઈકાલે 90 થી 100 મણ જયારે આજે 45 મણ કપાસ વેચાયો છે. ચાલુ વર્ષે કપાસના હાઈએસ્ટ ભાવોનું મુખ્ય કારણ માંગ વધુ છે. આ ઉપરાંત ગત વર્ષે લીલા દુકાળથી ખેડૂતોને પૂરતો ઉતારો મળ્યો ન હતો એટલે કે ઉત્પાદન ઓછુ હતુ.

આથી કપાસની સીઝનની શરૂઆતથી જ કપાસના ભાવો ઉંચકાયેલા છે. ચાલુ વર્ષે સીઝનની શરૂઆતમાં કપાસના ભાવ રૂ.1100 જેટલા બોલાતા હતા. જે દર વર્ષથી સરખામણીમાં વધારે હતા. ત્યારે આ ભાવમાં ઉતરોતર વધારો થતા હાલ આ ભાવ રૂ.1605 એ પહોચ્યા છે. અને હજુ આગામી દિવસોમાં જો વરસાદ ખેંચાશે તો આ ભાવ હજુ વધવાની પૂરેપૂરી સંભાવના છે.

હાલ કપાસની સીઝનનો પૂર્ણ થઈ છે.પરંતુ ગણ્યા ગાંઠયા ખેડૂતો જે કપાસ હવે વેચાણ અર્થે બજારમાં ઠાલવી રહ્યા છે. પરંતુ આવક નહિવત છે. રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં હાલમાં કપાસની આવક નહીવત પ્રમાણમાં આવે છે જ્યારે વાંકાનેર અને મોરબી માર્કેટિંગ યાર્ડમાં તો કપાસની આવક શૂન્ય છે. મતલબ કે હવે કોઈ એકલદોકલ પહોંચતા ખેડૂત પાસે કપાસ હોય બાકી તો આ કોરોના મહામારીમાં બે છેડા ભેગા કરવાના ફાંફા હોય ત્યારે કપાસ કઈ જ સાચવી શકે. આ ઊંચા ભાવ ખેડૂતનર નહીં પણ વેપારની લાભ કરાવશે…

આ સમાચારને શેર કરો