Placeholder canvas

રાજકોટમાં કોરોના વિસ્ફોટ: છેલ્લા 6 દિવસમાં 515 કેસ નોંધાયા, કુલ 600થી વધુ સારવાર હેઠળ

દિવાળીના તહેવારોમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનો ભંગ થતાં કેસ વધ્યાં!

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં દિવાળીના તહેવારના માહોલમાં કોરોના વિસ્ફોટ થયો છે. રાજકોટમાં જ છેલ્લા 6 દિવસમાં 515 કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે 600થી વધુ દર્દી સારવાર હેઠળ છે. જેને લઈને તંત્રમાં દોડધામ મચી ગઈ છે. દિવાળીથી લઈને લાભપાંચમ સુધીના 500થી વધુ કેસ નોંધાયા છે. જેથી મેયર બિનાબેન આચાર્યએ ત્રણેય ઝોનના ડેપ્યુટી કમિશનરો અન આરોગ્ય શાખાના અધિકારીઓની તાકિદે બેઠક બોલાવી શહેરમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરી હતી અને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી.

તહેવારોના દિવસોમાં શહેરીજનો માસ્ક વગર ટહેલતા અને સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનો ભંગ કરતા જોવા મળ્યાં હતા. જેને લઈને કોરોના વકર્યો છે. આ ઉપરાંત તહેવારોના દિવસોમાં લક્ષણો જણાતાં હોય તેમ છતાં તહેવારો બગડશે તેવી માન્યતા રાખીને નાગરિકો કોરોનાનો ટેસ્ટ કરાવવા માટે આવતા ન હોય અને હવે એક સાથે અનેક કેસ સામે આવતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે.

રાજકોટ અને ગ્રામ્ય વિસ્તારમાં આ વિસ્તાર કન્ટેનમેન્ટ ઝોન હેઠળ
માનસરોવર સોસાયટી આજી ડેમ ચોકડી પાસે, રોહીદાસપરા કુવાડવા રોડ-કેવડાવાડી, જનતા સોસાયટી મહિલા કોલેજ ચોક, ચંપક નગર પેડક રોડ, સખીયાનગર એરપોર્ટ રોડ, ગીતાનગર ભક્તિનગર સહિત 50 વિસ્તાર કન્ટેનમેન્ટ ઝોન હેઠળ મૂકાયા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં જીન પ્લોટ-ધોરાજી, મોહનનગર-ઉપલેટા, વણકર વાસ-સરપદડ, સુથાર શેરી-મોટાદડવા, આદમજી રોડ, જસદણ, પ્લોટ વિસ્તાર લુણાગરા સહિત 269 કન્ટેનમેન્ટ ઝોન હેઠળ મૂકાયા છે.

રાજકોટમાં છેલ્લા 6 દિવસના કેસની સંખ્યા….
દિવાળી – 96
ધોકો – 87
નૂતન વર્ષ – 96
ભાઈબીજ-ત્રીજ – 55
ચોથ – 96
લાભ પાંચમ – 85

રાજકોટમાં 24 કલાકમાં 7ના મોત-40 કેસ પોઝિટિવ, કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 9891 પર પહોંચી

રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 7 દર્દીના કોરોનાથી મોત થયા છે અને બપોર સુધીમાં 40 કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે શહેરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 9800ને પાર પહોંચી છે. જ્યારે રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં 632 દર્દી સારવાર હેઠળ છે. રાજકોટમાં રવિવારે 62 દર્દી કોરોના મુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. બીજી તરફ ભાવનગરમાં 3 કેસ પોઝિટિવ નોંધાયા છે.

રાજકોટમાં કોરોનાના કેસ વધતા વહિવટી તંત્ર એલર્ટ
રાજકોટમાં દિવાળીના તહેવાર બાદ એકાએક કોરોનાના કેસ વધતા વહિવટી તંત્ર અલર્ટ થઈ ગયું છે. જિલ્લા કલેક્ટરે અધિકારીઓ સાથે બેઠક કરી હાઈએલર્ટ રહેવા માટે સૂચના આપી છે. સાથે જ કેન્સર અને સમરસનું ઓક્સિજન કોવિડ સેન્ટર સ્ટેન્ડ બાય રાખવા આદેશ કર્યો છે. રાજકોટ જિલ્લામાં 150 કરતા વધુ વેન્ટિલેટરની સુવિધા છે. રાજકોટ સીટી અને જિલ્લામાં 4308 બેડ છે. 32 પ્રાઈવેટ, 6 સરકારી અને 12 કોવિડ કેર સેન્ટર કાર્યરત છે. રાજકોટ જિલ્લામાં 50 ધનવંતરી રથ, 11 સંજીવની રથ અને જિલ્લામાં 300 આરોગ્ય કેન્દ્રો પર ટેસ્ટિંગની સુવિધા છે. જેથી શરદી-ઉધરસ હોય તો ટેસ્ટિંગ કરાવવા તંત્રએ અપીલ કરી છે.

દિવાળી બાદ કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં દિવાળીના તહેવાર બાદ કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં અચાનક વધારો થયો છે. આ સાથે જ મૃત્યુ આંકની સંખ્યામાં પણ વધારો થયો છે. જે ખુબજ ચિંતાનો વિષય છે. આમ કોરોનાના કેસ ફરી વધી રહ્યાં હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે.

કલેક્ટરે લોકોને માસ્ક પહેરવા અને સાવચેત રહેવા અપીલ કરી
રાજકોટમાં કોરોનાના વધતા કેસને ધ્યાને રાખી કલેક્ટર રેમ્યા મોહને સ્થિતિની સમીક્ષા કરી હતી. જેમાં ડોક્ટરોને પોતાના વિસ્તારમાં ખાસ મોનિટરિંગ કરવા આદેશ આપવામાં આવ્યો છે. સમરસ હોસ્ટેલમાં થોડા દિવસ પહેલા બંધ કરવામાં આવેલું ઓક્સિજન કોવિડ સેન્ટર જરૂર પડ્યે ફરી શરૂ કરવામાં આવશે. લોકો ટેસ્ટિંગ માટે વધુ આવી રહ્યા છે. કલેક્ટરે લોકોને માસ્ક પહેરવા અને સાવચેત રહેવા અપીલ કરી છે. આવતા દિવસોમાં શિક્ષણાધિકારી સાથે પણ બેઠક કરવામાં આવશે. ગામડાઓમાં પણ કોરોના કેસની સંખ્યામાં વધારો થયો છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/I0HzwSrwbrR2bwyc8CNwpb

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો