Placeholder canvas

રાજકોટમાં કિસાન સંમેલનની મંજૂરી રદ, કાર્યક્રમ મોકૂફ 

રાજકોટ: દિલ્હીમાં 26 જાન્યુઆરીએ ખેડૂતોની ટ્રેકટર પરેડ દરમિયાન થયેલી હિંસાના પગલે રાજકોટમાં કિસાન સંમેલનને આપેલી મંજૂરી રાજકોટ પોલીસે રદ કરી છે. પોલીસે ગઈકાલે જ સંમેલન અંગે મંજૂરી આપી હતી અને ગઈકાલે જ રદ કરી નાખી હતી. જોકે આ તરફ કિસાન આગેવાનોએ પણ કાર્યક્રમ મોકૂફ રાખવાની જાહેરાત કરી છે. અને આગામી કાર્યક્રમ અંગે બેઠક યોજી નિર્ણય લેશે તેવું જાણવા મળ્યું છે.ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાને લઈ દિલ્હીમાં આંદોલ ચાલી રહ્યું છે. જેને પગલે રાજકોટમાં પણ કિસાન જાગૃતિ સંમેલન અંગે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા મંજૂરી માંગવામાં આવી હતી. જે મામલે પોલીસે નિયમોના પાલન સાથે મંજૂરી આપી હતી પરંતુ હાલ તેને રદ કરી દેવામાં આવી છે.

આ અંગે પત્રકાર પરિષદ યોજી ડીસીપી ઝોન – 2 મનોહરસિંહ જાડેજાએ જણાવ્યા મુજબ રાજકોટ શહેર પોલીસ કમિશ્નરને સંબોધી અરજદાર ગુજરાત કિશાન સંધર્સ સમિતિના ક્ધવીનર પાલભાઇ રામભાઇ આંબલીયાએ તા .27 ના રોજ બપોરે 12 વાગ્યાથી સાંજે 6 વાગ્યા દરમિયાન નવા 150 ફુટ રીંગ રોડ, લાયન કીંગ વોટર પાર્ક સામે આવેલા ખેતરમાં સૌરાષ્ટ્રના ખેડૂતોને જાગૃતી માટે સભાનું આયોજન કરવાના હોય જે બાબતે મંજૂરી મેળવવા અરજી કરી હતી. આ સભામાં હાલમાં જે કૃષિ અંગે ત્રણ કાયદા પસાર તે અંગે માર્ગદર્શન તથા જાણકારી આપવાના ઇરાદે આ સભાનું આયોજન કર્યું હતું. જેમાં સૌરાષ્ટ્રના આગેવાનો, ખેડુતોને હાજર રહેવાના હતા અને આ સભા રાજકીય ન હોય, ફકત ખેડુતોમાં જાગૃતી લાવવા આ સભાનું આયોજન કરાયું હોય અને કોરોના મહામારીને લઈ સરકાર તરફથી આપવામા આવેલી ગાઇડલાઇનનુ સંપૂર્ણ પાલન કરવાની શરતો સાથે સભા અંગે મંજૂરી આપવામાં આવી હતી.

જોકે, ગઈકાલે દિલ્હી ખાતે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી ખરાબ થઈ થતા તેમજ હાલમાં ગુજરાતમાં આચારસંહીતા અમલમાં હોય, આ સભામાં રાજકીય વ્યકિત બીન રાજકીય મંચ ઉપર ભેગા થાય તો આચારસંહીતાનો ભંગ થવાની પુરી શકયતા જણાય હતી, તેમજ સભામાં આવનાર ખેડુતો કયા કયાથી આવનાર છે તેમજ વાહનો, તેના નંબરોની માહિતી આપવામાં ન આવી હોવાથી મંજૂરી રદ કરવામાં આવી હતી. મંજૂરી રદ કરાયા અંગે ગુજરાત કિશાન સંઘર્ષ સમિતીના આગેવાનો ને રૂબરૂ બોલાવી પોલીસે મંજૂરી રદ કરાઈ હોવાની માહિતી આપી હતી.ઉલ્લેખનીય છે કે, આ સંમેલનમાં 3000થી 5000 ખેડૂતો હાજર રહેવાના હોવાનો દાવો કરાયો હતો. અને મંજૂરી મળી હોવાથી તમામ તૈયારીઓ પણ કરાઈ હતી. જોકે છેલ્લી ઘડીએ મંજૂરી રદ થતા ખેડૂત આગેવાનોએ પણ કાર્યક્રમ મોકૂફ રાખ્યો છે.

આ સમાચારને શેર કરો