Placeholder canvas

વતનપ્રેમ..! હડમતિયાના આરોગ્ય કેન્દ્રને અનુદાન આપતા બિલ્ડર

By રમેશ ઠાકોર (હડમતીય)
ટંકારા તાલુકાના હડમતિયા ગામના વતની અને હાલ રાજકોટ રહેતા ઉદ્યોગપતિ બિલ્ડરે વતનપ્રેમ દર્શાવી કોરોનાની મહામારીમાં માદરે વતનના વિવિધ આરોગ્ય સેન્ટરોને રૂ. 22,400નું દાન અર્પણ કર્યું છે.

ટંકારા તાલુકાના હડમતિયા ગામના વતની હાલ રાજકોટ સ્થાયી થયેલા બિલ્ડર નાનજીભાઈ કામરીયા (ફિનિક્સ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની) દ્વારા થોડા દિવસ પહેલા આરોગ્યક્ષેત્રે માદરે વતન માટે 50,000 રુપિયા અનુદાનની રકમ ફાળવવામાં આવી હતી.

ત્યારબાદ હાલમાં હડમતિયા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરને રૂ. 12,400ની કિંમતનું ફ્રિઝ વેક્સિન કે અન્ય મેડિકલ જથ્થો રાખવા તેમજ હડમતિયા હેલ્થ વેલનેસ સેન્ટરને સેનેટાઈઝર લિકવીડ, ઓક્સિમીટર, બી.પી. માપક, ડાયાબિટીસ માપક, માસ્ક તેમજ અન્ય નાની મોટી વસ્તુઓ માટે રૂ. 5000 અને લજાઈ પી.એચ.સી.ને ભાંગી તુટી ગયેલા નાના મોટા મેડિકલ સાધનો માટે રૂ. 5000 ફાળવીને કપરા કાળમાં માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરું પાડ્યું છે.

આમ, ટોટલ રકમ રૂ. 22,400 નું દાન અર્પણ કરેલ છે.
આ તકે ઉદ્યોગપતિ બિલ્ડરે જણાવ્યું હતું કે જો ત્રીજી લહેર આવે તો માદરે વતન કાજે જન્મભૂમિનું ઋણ અદા કરવા પાછી પાની નહીં કરું અને જરુર જણાય તો વધુ દાન અર્પણ કરવાની ભાવના દર્શાવી હતી.

આ સમાચારને શેર કરો