Placeholder canvas

ACBના PI ચાવડાના ઘરે આખી રાત તપાસ: મોટી બેનામી મિલ્કત પકડાવાની શકયતા

એસીબી વડાને ફરિયાદીએ પુરાવા આપ્યા હતા

વાડ જ ચીભડા ગળી ગઈ કહેવત પુરવાર થઇ છે, જેની ઉપર ભ્રષ્ટાચારને ડામવાની અને ભ્રષ્ટાચારીઓને સજા કરવાની જવાબદારી છે. તે લાંચ રૂશ્વત વિભાગના જ એક અધિકારી લાંચ લેતા ઝડપાતા ભારે ખળભળાટ મચી ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે જૂનાગઢ એસીબીમાં ફરજ બજાવતા અને ગૌશાળાની તપાસના એક કેસમાં રૂા.18 લાખ લેતા અમદાવાદમાંથી ઝડપાયેલા પીઆઈ ડી.ડી. ચાવડાના આ પ્રકરણથી પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે.

જુનાગઢ એસીબીમાં પીઆઈ તરીકે ફરજ બજાવતા ડી.ડી. ચાવડા અમદાવાદના ટીંબાવાડી રોડ પરના ગોલ્ડન પાર્ક પાંચમા માળે બ્લોક નં.502મં રહે છે. પીઆઈ ચાવડા રૂા.18 લાખની લાંચ લેતા પકડાયા બાદ ઉપરોકત સ્થળે પીઆઈના ઘરે ગઈકાલે રાત્રીના અમરેલી જિલ્લા એસીબીની ટીમ ત્રાટકી હતી અને આખી રાત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલ હતું. આ સર્ચ ઓપરેશન આજે સવારે પણ ચાલુ રહ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે પોતાના સ્ટાફને પણ પૈસામાં ન છોડતા પીઆઈ ચાવડા જૂનાગઢ મનપામાં ગોચરની જમીનનું પ્રકરણના કૌભાંડમાં તપાસ ચલાવતા હતા અને લાંચ પેટે સરપંચ પાસેથી રૂા.18 લાખ માંગ્યા હતા. દરમ્યાન આ લાંચ પ્રકરણ અંતર્ગત એસીબીના આસી. ડાયરેકટર ભારતી પંડયાએ જણાવેલ હતું કે પીઆઈ ચાવડા 2004ની બેચના પીએસઆઈ છે. તેઓએ રાજકોટ- પોરબંદર અને જૂનાગઢ ખાતે ફરજ બજાવી છે. અગાઉ તેઓએ પોરબંદરની વિકાસ બોર્ડની તપાસો પણ કરી હતી. ભારતી પંડયાએ વધુમાં જણાવેલ હતું કે ડી.ડી. ચાવડા ઉપરાંત એસીબી કે અન્ય ખાતાના ગમે તે ભ્રષ્ટાચારી અધિકારી હશે તેઓને છોડાશે નહીં, અમોને કોઈ પણ વ્યકિત સચોટ રજૂઆત કરશે તો અમો ચોકકસ કાર્યવાહી કરીશું.

દરમ્યાન એવી મહત્વપૂર્ણ વિગતો પણ મળી છે કે આ લાંચ કેસમાં દશ દિવસ અગાઉ જ ફરીયાદી રાજયના એસીબીના વડા કેશવકુમારને મળેલ હતા. અને પીઆઈ સાથે લાંચ અંગે થયેલી વાતચીતને રેકોર્ડીંગ સહિતના પૂરાવા આપેલ હતા.બાદ તુરંત જ આ ભ્રષ્ટ અધિકારીને પકડવા માટે છટકુ ગોઠવાયુ હતું.

આ સમાચારને શેર કરો