Placeholder canvas

શિક્ષણ વિભાગના એક નિર્ણયે 22 લાખ પરિવારને દોડતા કરી મૂક્યાં

રાજ્યના શિક્ષણ વિભાગ ઘણીવાર ઉતાવળિયા નિર્ણય લેવામાં પંકાયેલુ છે. અને ઉતાવળિયા નિર્ણયનાં કારણે હેરાનગતિ આખરે વાલીઓ અને બાળકોને જ ભોગવવી પડે છે. આવો એક નિર્ણય હાલમાં રાજ્યનાં શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. જેના કારણે રાજ્યનાં 22 લાખ પરિવારને દોડતા અને વિચારતા કરી મુક્યાં છે. નવું શૈક્ષણિક સત્ર 20 એપ્રિલથી શરૂ કરી દેવાશે. સામાન્ય રીતે નવું શૈક્ષણિક સત્ર 8 જૂનથી શરૂ થતું હતું. હવે નવું સત્ર 20 એપ્રિલથી શરૂ કરી 3 મેં સુધી ચાલશે અને 4 મેંથી ઉનાળુ વેકેશન શરૂ થશે જે 7 જુન સુધી રહેશે.

આ નિર્ણય એવો ઉતાવળિયો સાબિત થયો કે જેથી વાલીઓમાં રોષ ફેલાયો છે. આ નિર્ણયની સીધી અસર ઉત્તરભારતીય પરિવાર પર પડી છે. આમતો વેકેશન પડતા જ ઉત્તરભારતનાં પરિવારનાં લોકો પોતાના વતન જતા રહેતા હોય છે. આ વખતે 20 એપ્રિલથી નવું સત્ર શરૂ થતું હોય રાજ્યમાં વસતા 22 લાખ ઉત્તરભારતીય પરિવારને વિચારતા અને દોડતા કરી મૂક્યાં છે.

સરકારે આ નિર્ણય લેતા પહેલા સમય આપવાની જરૂર હતી. કે પછી નિર્ણયનું અમલીકરણ આવતા વર્ષે કરવાનું હતું. આ તો ઉત્તરભારતીય પરિવારની જ વાત થઇ આવી જ રીતે ગુજરાતનાં પણ ઘણા પરિવાર વેકેશનમાં વતન કે પ્રવાસ જતા હોય છે. જો એવા લોકોએ પ્રવાસનું બુકિંગ કરાવી લીધું હશે તો તેમને યા તો પ્રવાસ કેન્સલ કરવો પડશે કે સ્કૂલમાં રજા પાડવી પડશે. મહત્વનું છે કે, શિક્ષણ વિભાગે લીધેલો આ ઉતાવળિયો નિર્ણય પહેલી વાર નથી. આ પહેલા પણ નવરાત્રીનાં વેકેશનમાં પણ આ જ પ્રકારે નિર્ણય લેવાતા વાલીઓ અને વિદ્યાર્થીઓમાં નારાજગી વ્યાપી હતી. જેના પગલે આખરે સરકારે નિર્ણય પાછો લેવો પડ્યો.

આ સમાચારને શેર કરો