Placeholder canvas

વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતનાર અમિત પંઘાલ પાસે બુટ ખરીદવાના પૈસા નોહતા..!

ભારતના અમિત પંઘાલે વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચ્યો….

ભારતીય બોક્સર અમિત પંઘાલ ભલે ગત રવિવારે વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઇનલમાં હારી ગયો હોય પણ તેને સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. 1974થી શરુ થયેલી બોક્સિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતને 45 વર્ષમાં પ્રથમ વખત પુરુષ વર્ગમાં સિલ્વર મેડલ મળ્યો છે. ફાઇનલમાં અમિતનો ઉઝબેકિસ્તાનના શાખોબિદિન જોઇરોવ સામે પરાજય થયો હતો.

વિજેન્દર સિંહ, વિકાસ કૃષ્ણન, શિપ થાપા અને ગૌરવ વિધુડી પછી સેમિ ફાઇનલમાં પહોંચનાર અમિત પંઘાલ પાંચમો ભારતીય બોક્સર છે. જોકે ફાઇનલમાં પહોંચનાર તે પ્રથમ ભારતીય બોક્સર બન્યો હતો.

અમિત પંઘાલે 2008માં બોક્સિંગની શરુઆત કરી હતી. અમિતના અંકલ ગામમાં બાળકોને બોક્સિંગની ટ્રેનિંગ આપતા હતા. ટ્રેનિંગ માટે તેનો ભાઇ અજય પણ જતો હતો. અમિત શરુઆતમાં બોક્સિંગ શીખવા માટે આવતો ન હતો. ફક્ત ફિઝિકલ ફિટનેસ માટે જતો હતો. જોકે અંકલને લાગ્યું કે અમિતને બોક્સિંગમાં લાગણી છે. જેથી તેને ટ્રેનિંગ આપવા લાગ્યા હતા. 2015થી અમિતે પટિયાલામાં ટ્રેનિંગ શરુ કરી હતી.

અમિત પંઘાલે 2017માં આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરુઆત કરી હતી. આ પછી તે સતત દેશને મેડલ અપાવી રહ્યો છે. ખેડૂત પરિવારમાંથી આવનાર અમિતે પોતાના જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો છે. 2017માં જ્યારે પ્રથમ વખત વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા જર્મનીના હેમ્બર્ગ પહોંચ્યો તો એક દુકાન પર ખાસ બુટ પસંદ આવ્યા હતા.

આ બુટ બોક્સિંગ માટે ખાસ પહેરવામાં આવે છે. તેને શુઝ એટલા બધા પસંદ આવ્યા હતા કે તે પોતાને રોકી શક્યો ન હતો. આથી તેણે ઉધાર લેવાનું મન બનાવ્યું હતું. અમિતે પોતાના સાથી બોક્સર કવિંદ્ર બિષ્ઠને કહ્યું હતું કે મારે શુઝ ખરીદવા છે, જેથી પૈસા ઉધાર આપ. સાથે વાયદો કર્યો હતો કે તે ઘરે જઈને પૈસા આપી દેશે. તે આ શુઝ પહેરીને ચેમ્પિયનશિપમાં ઉતર્યો હતો.

આ સમાચારને શેર કરો