Placeholder canvas

અમદાવાદ : એક જ દિવસમાં કોરોનાના 50 પોઝિટિવ કેસ: બે હજાર કર્મચારીઓને મેદાનમાં ઉતાર્યા, ડોર ટુ ડોર સર્વેની કામગીરી શરૂ

અમદાવાદ : કોરોના વાયરસનો કહેર અમદાવાદ શહેરમાં જોવા મળ્યો. એક સાથે અમદાવાદ શહેરમાં 50 પોઝિટિવ કેસ નોંધાયા છે. એકા એક વધારે કેસ નોંધાતા અમદાવાદ કોર્પોરેશન દ્વારા શહેરના કોટ વિસ્તારમાં મેગા સર્વેની કામગીરી હાથ ધરાઇ છે. એક સાથે તમામ ઝોનની આરોગ્ય વિભાગની બે હજાર કરતા વધુ કર્મચારીઓની ટીમ ડોર ટુ ડોર સર્વેલન્સ હાથ ધરશે.

“શહેરમાં કોટ વિસ્તારને બે દિવસ પહેલા બફર ઝોન જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે બાદ આ વિસ્તારમાં કોરોના કેસમાં વધારો થતા હવે એએમસી આરોગ્ય ટીમ ડોર ટુ ડોર જઇ સર્વેલન્સની કામગીરી કરી રહી છે. શહેરના કાલુપુર, દરિયાપુર, જમાલપુર, શાહપુર, રાયખડ અને ખાડિયનો સમાવેશ કરાયો છે. જે નવા 50 કેસ નોંધાયા છે તે એએમસીની સર્વેલન્સ ટીમની તપાસમાં બહાર આવ્યા છે. કેટલાક લોકો એવા હતા કે જેઓને કોરોનાના એક પણ લક્ષણ દેખાયા ન હતા પરંતુ સર્વેલન્સમાં લેવાયેલા સેમ્પલમાં કેસ પોઝિટિવ આવ્યા છે. જો આ વ્યક્તિ અન્ય લોકોના સંપર્ક આવ્યા હશે તો કોરોના પોઝિટિવનો આંકડો હજારો પર પહોંચી જશે. એએમસી દ્વારા હાલ કોટ વિસ્તારમાં બફર ઝોન જાહેર કરી સઘન કામગીરી કરવામાં આવી રહી છે.”

શહેરમાં પહેલા 50 થી 100 સેમ્પલ લેવાતા હતા પરંતુ છેલ્લા ચાર દિવસમાં સેમ્પલ લેવાની કામગીરી બમણી કરી છે. ગઇકાલે 850 સેમ્પલ લેવાયા છે. સર્વે કામગીરીમાં ઇન્ફા થર્મલ ગન કર્મચારીને અપાય છે. સ્ક્રિનિંગના માધ્યમથી ચેકિંગ બાદ જરૂર લાગતા ટેસ્ટ માટે સેમ્પલ લેવાઇ રહ્યા છે. દરેક અર્બન હેલ્થ સેન્ટર દીઠ પાંચ કીટ અપાઇ છે. શંકાસ્પદ લાગતા વ્યક્તિઓના સેમ્પલ પણ લેવાઇ રહ્યા છે.

વધુમા કમિશનર વિજય નહેરાએ અમદાવાદીઓને અપીલ કરતા કહ્યું હતું કે, “લોકો આરોગ્ય ટીમને સહકાર આપે. આ ટીમો દિવસ રાત તમારા માટે કામ કરી રહી છે. કેટલાક વિસ્તારમાં આરોગ્ય ટીમને સહકાર નથી અપાઇ રહ્યો તે વાત એએમસીને ધ્યાન પર આવી છે. યુરોપ જેવા દેશોમાં આવી કોઇ પણ સેવા નથી અપાઇ રહી. ત્યાં માત્ર ફોન કરો અને સેમ્પલ લેવાઇ રહ્યા છે, પરંતુ અમદાવાદ કોર્પોરેશન સામે ચાલી ડોર ટુ ડોર તમારી કામગીરી સરળ કરી રહી છે. આથી અમદાવાદીઓ આરોગ્ય વિભાગને સહકાર આપવા અપીલ કરી છે.”

આ સમાચારને શેર કરો