Placeholder canvas

પેટ્રોલ-ડિઝલ, રાંધણગેસ બાદ હવે ગરીબોના કેરોસીનનો વારો : એક જ ઝાટકે લીટરે રૂા.3.75નો વધારો

પ્રતિ લીટર રૂા.33.82ના ભાવ સામે હવે 37.66 ભાવ ચુકવવા પડશે

રાજકોટ: રાજયભરમાં રાંધણ ગેસના બાટલા બાદ રેશનીંગ કેરોસીનના ભાવમાં પણ એક ઝાટકે રૂા.3.75નો એક લીટરે વધારો ઝીંકાતા ગરીબ પરિવારોમાં ભારે દેકારો બોલી ગયો છે. રેશનીંગ કેરોસીનનો ભાવ પ્રતિ લીટર રૂા.33.82 હતો તેની સામે હવે ગરીબોને રૂા.37.66 મુજબ પ્રતિ લીટરે ચુકવવા પડશે તેવુ પુરવઠા ખાતાના સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

ગુજરાત રાજય સરકારે રાજકોટ સહિત રાજયભરમાં રેશનીંગ કેરોસીનના પ્રતિ લીટરે રૂા.3.75નો વધારો ઝીંકી દીધો છે. પેટ્રોલ-ડીઝલના સતત વધતા જતા ભાવના કારણે ટેન્કર માલિકો-કોન્ટ્રાકટરોએ જુના ભાવથી પરિવહન પોષાતુ નથી રજુઆત કરી હતી. પરિણામે રાજય સરકારના પુરવઠા વિભાગે પરિવહન ભાવ વધારતા તેનો બોજ રાશનકાર્ડ ધારકો પર લાદયો છે.

મહિને વધુમાં વધુ 4 લીટર કેરોસીન વિતરણ કરવાનો નિર્ણય અમલ કર્યો છે. આ અગાઉ રેશનીંગ કેરોસીનના પ્રતિ લીટરનો ભાવ રૂા.33.82 હતો તેમાં એક ઝાટકે રૂા.3.75નો વધારો ઝીંકાતા હવે ગરીબ અને મઘ્યમ વર્ગ પરિવારને નવા ભાવ મુજબ પ્રતિ લીટર રૂા.37.66 મુજબ ચુકવવાના રહેશે. ભાવ વધારાથી ગરીબ પરિવારોમાં દેકારો મચી ગયો છે.

આ સમાચારને શેર કરો