Placeholder canvas

આવતી કાલે મોરબી જિલ્લામાં 7,32,360 મતદારો મતદાન કરીને ઉજવશે લોકશાહીનું પર્વ 

મોરબી જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 60 ટકા યુવા મતદારો

મોરબી : મોરબી જિલ્લા પંચાયત, પાંચ તાલુકા પંચાયત અને ત્રણ નગરપાલિકાની આવતી કાલે રવિવારે યોજાનાર સામાન્ય ચૂંટણીમાં આ વખતે યુવા મતદારોની નિર્ણાયક ભૂમિકા રહેશે. કારણ કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદારોમાંથી 60 ટકા જેટલા મતદારો યુવાનો છે. આથી, મોટાભાગના યુવા શિક્ષિત મતદારોનો જે તરફ ઝોક રહેશે તેનું પલડું ભારે રહેશે એમ માનવામાં આવી રહ્યું છે. ત્યારે જ્ઞાતિવાઇઝ ગણિતના આધારે મતોનો સોંગઠાબાજી કરતા ઉમેદવારો અને રાજકીય પક્ષો નિષ્પક્ષ રીતે આ યુવા શિક્ષિત મતદારોને આકર્ષી શકશે કે કેમ? તેની પરિણામ પર સીધી અસર થાશે.

મોરબી જિલ્લામાં મતદારોની ઉંમર વાઇઝ સ્થિતિ જોઈએ તો 18 થી 19 વર્ષના એટલે નવા અને પ્રથમ વખત ચૂંટણીમાં મતદાન કરતા હોય તેવા આશરે 44,000 મતદારો છે.તેમજ 20 થી 29 વર્ષના 2,23,000 મતદારો, 30 થી 39 વર્ષના 1,50,000 મતદારો, 40 થી 49 વર્ષના 1,30,000 મતદારો, 50 થી 59 વર્ષના 1 લાખ મતદારો, 60 થી 69 વર્ષના 50 હજાર મતદારો, 70 થી 79 વર્ષના 25 હજાર, 80 વર્ષથી ઉપરના 10 હજાર મતદારો છે.જેમાંથી સૌથી વધુ 4,17,000 જેટલા યુવા મતદારો છે. જે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નિર્ણાયક ભૂમિકા ભજવશે. આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કુલ 7,32,360 જેટલા મતદારો મતદાનની પવિત્ર ફરજ અદા કરીને લોકશાહીનું પર્વ ઉજવશે.

આ સમાચારને શેર કરો