Placeholder canvas

સૌરાષ્ટ્રના 45 કેદીઓ રાજકોટની સેન્ટ્રલ જેલમાં બોર્ડની પરીક્ષા આપશે !

રાજકોટ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા.5 માર્ચથી પ્રારંભ થનારી ધો.10 અને 12 ની પરીક્ષાના આડે હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે રાજકોટ શહેર જિલ્લામાં આ પરીક્ષા શાંતિ પૂર્ણ વાતાવરણમાં લેવાય તે માટે જિલ્લા શિક્ષણાધિકારી ઉપાધ્યાયએ કમ્મરકસી દીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે શિક્ષણ બોર્ડ દ્વારા આ વખતે સૌ પ્રથમવાર આ પરીક્ષામાં પેપર ટ્રેકીંગ સીસ્ટમનો ઉપયોગ કરનાર છે.

જે સંદર્ભે પેપર કેન્દ્રો પર પહોંચાડનાર અને કેન્દ્ર પરથી પેપર લઈ જનારા રૂટ અધિકારીઓને ફરજિયાત પેપર ટ્રેકીંગ સીસ્ટમની એપ્લીકેશનનો ઉપયોગ કરવો પડશે.

તેમજ રાજકોટની સેન્ટ્રલ જેલમાં સૌરાષ્ટ્રની વિવિધ જેલોના 45 જેટલા કેદીઓ બોર્ડની પરીક્ષા આપનાર છે જેમાં ધો.10 ના 30 અને ધો.12ના 15 કેદીઓનો સમાવેશ થાય છે. જેલમાં આ પરીક્ષા માટે કોચીંગ કલાસ ચલાવી કેદીઓને શિક્ષણ આપવામાં આવ્યા બાદ હવે આ પરીક્ષા માટે સ્ટાફ પણ ફાળવી દેવામાં આવેલ છે.

આ સમાચારને શેર કરો