Placeholder canvas

ગુજરાતમાં કોરોના વાયરસના 4 શંકાસ્પદ કેસ, કોરોનાનો સામનો કરવા તંત્ર સજ્જ

કોરોના વાયરસ ધીરે ધીરે દુનિયાભરમાં પ્રસરી રહ્યો છે તેને જોતાં વિશ્વના દેશો સતર્ક બન્યાં છે. ભારતમાં ય કોરોના વાયરસે એન્ટ્રી મારી છે. કેરળમાં એક કેસ નોંધાયો છે ત્યારે ગુજરાતમાં રાજ્ય આરોગ્ય વિભાગ વધુ સતર્ક બન્યુ છે. ગુજરાતમાં ચાર શંકાસ્પદ કેસો નોંધાયા હતાં. જોકે, કોરોના વાયરસના કોઇ પણ લક્ષણ ન જણાતાં રાજ્ય સરકારે હાશકારો અનુભવ્યો છે. આરોગ્ય વિભાગે એવો દાવો કર્યો છે કે, લોકોએ ગભરાવવાની જરૂર નથી બલ્કે સતર્ક-સાવચેતી રાખવાની જરૂર છે. ચીનથી પરત ફરેલાં બધાય ગુજરાતીઓ પર આરોગ્ય વિભાગે નજર રાખી છે અને નિયમિતપણે મેડિકલ ચેકઅપ શરૂ કર્યુ છે.

ચીનમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે જેના કારણે અભ્યાસ અર્થે ગયેલાં ગુજરાતી વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મૂકાયાં છે. વિદ્યાર્થીઓને પરત લાવવા વાલીઓએ ગુજરાત સરકારને રજૂઆત કરી છે જેના પગલે રાજ્ય સરકારે વિદેશ મંત્રાલયના સંપર્કમાં રહીને વિદ્યાર્થીઓ પરત લાવવામાં આવી રહ્યાં છે. આજે 34 વિદ્યાર્થીઓ ગુજરાત પરત ફર્યાં છે. જેમાં સૌથી વધુ મહેસાણાના 24, પંચમહાલના 7, સુરતના 7, અમદાવાદના 4, સુરત, ભાવનગર, દાહોદ, જૂનાગઢ, જામનગર, મહિસાગર, પાટણ,ગાંધીનગરના એક-એક વ્યક્તિનો સમાવેશ થાય છે.

ચીનથી પરત ફરેલાં કુલ 75 લોકોના લોહીના નમૂના પૂના લેબમાં મોકલાયાં હતાં.ચારેક શંકાસ્પદ કેસો જણાયા હતાં. જોકે, રિપોર્ટમાં એકેય કેસમાં કોરોના વાયરસના લક્ષણ જણાયાં નથી. આ શંકાસ્પદ કેસો જામનગર,હિંમતનગર અને મહેસાણાના હતાં. અત્યારે ચીનથી આવેલાં બધાય સ્વસ્થ છે. આમ છતાંય જિલ્લા આરોગ્ય અધિકારી અને સર્વેલન્સ અધિકારી આ બધાયનું રોજેરોજ મેડિકલ ચેકઅપ કરી રહ્યાં છે.

આજે એર ઇન્ડિયાથી ફલાઇટથી 324 લોકો ચીનથી પરત ફર્યા છે તે તમામને દિલ્હી આર્મી કેમ્પસમાં ઓબર્ઝેવેશન હેઠળ રખાયાં છે તેમાં કેટલા ગુજરાતી છે તેની માહિતી હજુ રાજ્ય સરકારને મળી શકી નથી. પણ કેન્દ્રીય આરોગ્ય વિભાગે આદેશ કર્યો છેકે, 1લી ડિસેમ્બર,2019 પછી ચીનનો પ્રવાસ કરનારાં તમામ લોકોનુ મેડિકલ ચેકઅપ કરવામાં આવશે. આરોગ્ય વિભાગના ડૉક્ટરો ઘેર જઇને 14 દિવસ સુધી સતત મેડિકલ તપાસ કરશે.

આ સમાચારને શેર કરો