Placeholder canvas

રાજકોટમાં વધુ 1 કોરોના પોઝીટીવ : 13 દિવસમાં જ 10 વ્યકિત ઝપટમાં

રાજકોટ શહેરમાં ગત 18 માર્ચે કોરોના પોઝીટીવનો એક કેસ જાહેર થયા બાદ માત્ર 13 દિવસના સમયગાળા દરમિયાનમાં વધુ નવ વ્યકિતઓ કોરોનાની ઝપટે ચડી ગયા છે. કોરોના પોઝીટીવના દસ કેસો પૈકીના સાત વ્યકિતઓ લોકલ ટ્રાન્સમિશન હોવાનું બહાર આવ્યું છે. ગઇકાલે શાપર-વેરાવળ ખાતે કંપનીમાં કામ કરતો યુવાન અમદાવાદ ગયો હતો. જયાં કામ હતું તે કંપનીના કર્મચારીના સંસર્ગમાં આવ્યો હતો અને તે યુવાન કોરોના પોઝીટીવ જાહેર થયો છે. જો કે આ યુવાન છેલ્લા દસ દિવસ દરમ્યાન ઘરમાં જ પુરાઇ રહ્યો હતો અને કોઇને મળ્યો પણ નહી હોવાથી આ યુવાનના સંસર્ગમાં કોઇ વધુ આવ્યા નથી છતાં તેના પરિવારજનોને કવોરેન્ટાઇન કરી સારવાર આપવામાં આવી રહી છે.

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાંથી ગત તા.18 માર્ચે મક્કા-મદીનાથી ઉમરાહ કરી પરત આવેલ યુવાનનો કોરોના પોઝીટીવ આવ્યો હતો. જે રાજયભરનો પ્રથમ કોરોના પોઝીટીવ હતો. આ યુવાનના સંપર્કમાં આવેલા 100થી વધુ વ્યકિતઓની તપાસ કરી હતી. જંગલેશ્વર વિસ્તારમાં મનપા આરોગ્યએ સતત ત્રણ દિવસ ઘેરો ઘાલી 25000 વ્યકિતઓની તપાસ કરી સમગ્ર વિસ્તારમાં દવા છંટકાવ, ફોગીંગ કરી કામ ચલાવ દવાખાનું પણ શરૂ કરાયું છે. કોરોના પોઝીટીવ યુવાનના પરિવારજનોને તત્કાલ પથિકાશ્રમ ખાતે મોકલી કવોરન્ટાઇન કરી લેવાયા હતા. પ્રથમ પોઝીટીવ કેસ 18 માર્ચે જાહેર થયા બાદ ગઇકાલે 30 માર્ચ દરમિયાન માત્ર 13 દિવસમાં વધુ નવ વ્યકિતઓ કોરોના પોઝીટીવ જાહેર થતાં કુલ 10 લોકો કોરોનાની ઝપટે ચડયા છે.

આ સમાચારને શેર કરો